Skip to main content

કર્મયોગ - કૃષ્ણભાવાનાયુક્ત કર્મ | અધ્યાય પાંચ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં

Shrimad Bhagwat Geeta Chapter Five In Gujarati

કર્મયોગ - કૃષ્ણભાવાનાયુક્ત કર્મ | અધ્યાય પાંચ | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Five In Gujarati


अर्जुन उवाच :
सन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि । 
यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् ॥ १ ॥

અર્જુને કહ્યું : હે કૃષ્ણ , આપે પહેલાં મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો . હવે આપ કૃપા કરીને નિશ્ચિતરૂપે મને કહેશો કે આ બન્નેમાંથી કયું વધારે કલ્યાણકારી છે ?(1)

श्रीभगवानुवाच :
सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ । 
तयोस्तु कर्मसन्यासात्कर्मयोगो विशिष्यते ॥ २ ॥

પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતાં કહ્યું : મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બન્ને ઉત્તમ છે . પરંતુ આ બન્ને પૈકી કર્મના પરિત્યાગ કરતાં ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે .(2)

ज्ञेयः स नित्यसन्यासी यो न द्वेष्टि न काङ्क्षति । 
निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते ॥ ३ ॥

જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઇચ્છા રાખે છે , તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ . હે મહાબાહુ અર્જુન , આવો મનુષ્ય સર્વ દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે . (3)

साङ्ख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः । 
एकमप्यास्थितः सम्यगुभयोर्विन्दते फलम् ॥ ४ ॥

અજ્ઞાની મનુષ્યો જ ભક્તિમય સેવા ( કર્મયોગ ) ને ભૌતિક જગતના પૃથક્કરણાત્મક અભ્યાસ ( સાંખ્ય ) થી ભિન્ન કહે છે . જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે જે મનુષ્યો આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરે છે , તે બન્નેનું ફળ પ્રાપ્ત કરે છે .(4)

यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते । 
एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति ॥ ५ ॥

જે મનુષ્ય જાણે છે કે પૃથક્કરણાત્મક અધ્યયન ( સાંખ્ય ) દ્વારા જે સ્થાન પ્રાપ્ત થાય છે , તે જ ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે અને તેથી જે મનુષ્ય સાંખ્યયોગ તથા ભક્તિયોગને એકસમાન ભૂમિકા પર રહેલા જુએ છે તે જ વસ્તુઓને યથાર્થરૂપે જુએ છે .(5)

सन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः । 
योगयुक्तो मुनिर्ब्रह्म न चिरेणाधिगच्छति ॥६ ॥

ભગવદ્ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવામાત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી . પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય , પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે .(6)

योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः । 
सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥ ७ ॥

જે મનુષ્ય ભક્તિભાવે કર્મ કરે છે , જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાનાં મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે , તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે . એવો મનુષ્ય હંમેશાં કાર્યરત રહેતો હોવા છતાં કદાપિ લિપ્ત થતો નથી . (7)

नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् । 
पश्यञ्शृण्वन्स्पृशञ्जिघ्रन्नश्नन्गच्छन्स्वपन्श्वसन् ॥ ८ ॥ 
प्रलपन्विसृजन्गृह्णन्नुन्मिषन्निमिषन्नपि । 
इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥ ९ ॥

દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય જોતો , સાંભળતો , સ્પર્શ કરતો , સૂંઘતો , ખાતો , ચાલતો , સૂતો તથા શ્વાસ લેતો હોવા છતાં , પોતાના અંતરમાં હંમેશાં જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી . બોલતાં , ત્યાગ કરતાં , ગ્રહણ કરતાં કે આંખો ખોલતાં તથા મીંચતાં પણ તે સદા જાણતો હોય છે કે માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પરોવાયેલી રહે છે અને પોતે આ સર્વથી અલિપ્ત છે .(૮-૯)

ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः । 
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ॥ १० ॥

જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિરહિત થઈને પોતાનું કર્તવ્યકર્મ કરે છે , તે જેમ કમળપત્ર જળથી અસ્પર્થ રહે છે તેમ પાપકર્મોથી અલિપ્ત રહે છે .(10)

कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि । 
योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये ॥ ११ ॥

યોગીજનો અનાસક્ત થઈને શરીર , મન , બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે . (11)

युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् । 
अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते ॥ १२ ॥

ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે , કારણ કે તે પોતાનાં સર્વ કર્મનાં ફળ મને અર્પિત કરે છે ; પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળનો લોભી છે , તે બદ્ધ થઈ જાય છે . (12)

सर्वकर्माणि मनसा सन्यस्यास्ते सुखं वशी । 
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ॥ १३ ॥

જ્યારે દેહધારી જીવાત્મા , પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધાં કર્મોનો પરિત્યાગ કરે છે , ત્યારે તે નવ દ્વારવાળાં નગર ( ભૌતિક શરીર ) માં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે . (13)

न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । 
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥ १४ ॥

શરીરરૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાત્મા , કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી અને કર્મનાં ફળનું સર્જન પણ કરતો નથી . આ બધું તો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા જ થયા કરે છે .(14)

नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः । 
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥ १५ ॥

-પરમેશ્વર કોઈનાં પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી . પરંતુ દેહધારી જીવો અજ્ઞાનના કારણે મોહગ્રસ્ત થાય છે , જે તેમના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે .(15)

ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः । 
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥ १६ ॥

પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે , ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે તેવી રીતે તેના એ જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે . (16)

तद्द्बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः । 
गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः ॥ १७ ॥

જ્યારે મનુષ્યની બુદ્ધિ , મન , શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે , ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિપંથે આગળ વધે છે .(17)

विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि । 
श्रुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥ १८ ॥

વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને ગાય , હાથી , કૂતરા તથા ચંડાળને સમાન દૃષ્ટિથી જુએ છે .(18)

इहैव तैर्जितः सर्गो यैषां साम्ये स्थितं मनः । 
निर्दोषं हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिताः ॥ १ ९ ॥

જેમનાં મન એકત્વ તથા સમતામાં સ્થિત છે , તેમણે જન્મ તથા મૃત્યુનાં બંધનોને પહેલેથી જ જીતી લીધાં હોય છે . તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે અને એ રીતે સદા બ્રહ્મમાં જ અવસ્થિત રહે છે .(19)

न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् । 
स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविब्रह्मणि स्थितः ॥ २० ॥

જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી , જે સ્થિરબુદ્ધિ છે , જે મોહરહિત છે અને જે ભગવદ્વિજ્ઞાનનો જાણકાર છે , તે પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત હોય છે .(20)

बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखम् । 
स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ॥ २१ ॥

આવો જીવન્મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિયસુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી , પરંતુ હરહંમેશ સમાધિમાં નિમગ્ન રહીને , પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે . એ રીતે , આત્મ - સાક્ષાત્કાર પામેલો પુરુષ , પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે . (21)

ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते । 
आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः ॥ २२ ॥

બુદ્ધિશાળી મનુષ્ય , ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગમાં રસ લેતો નથી , કારણ કે તે દુઃખનાં મૂળ કારણરૂપ બની રહે છે . હે કૌન્તેય , આવાં સુખોનો આદિ તથા અંત હોય છે , તેથી સુજ્ઞ મનુષ્ય તેમાં આનંદ લેતો નથી .(22)

शक्नोतीहैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् । 
कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः ॥ २३ ॥

જો વર્તમાન શરીરનો ત્યાગ કરતાં પહેલાં કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસનાના અને ક્રોધના વેગને રોકી શકે , તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે .(23)

योऽन्तः सुखोऽन्तरारामस्तथान्तर्ज्योतिरेव यः । 
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ॥ २४ ॥

જે મનુષ્ય અંતર થકી સુખી છે , સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતરમુખી છે , તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે . તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે .(24)

लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः । 
छिन्नद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः ॥ २५ ॥

જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધાઓથી પર થયેલા છે જેમનાં મન આત્મ - સાક્ષાત્કારમાં લીન થયાં છે , જેઓ જીવમાત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ પાપથી રહિત છે , તેઓ બ્રહ્મમાં નિર્વાણ ( મુક્તિ ) પ્રાપ્ત કરે છે .(25)

कामक्रोधविमुक्तानां यतीनां यतचेतसाम् । 
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ॥ २६ ॥

જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત થયેલા છે , જેઓ આત્મજ્ઞાની , આત્મસંયમી તથા પૂર્ણતા પામવા માટે સતત પ્રયાસ કરનારા છે , તેમની મુક્તિ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત હોય છે .(26)

स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवोः । 
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ॥ २७ ॥ 
यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायणः । 
विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः ॥ २८ ॥

સર્વ બાહ્ય ઇન્દ્રિયવિષયોને બહાર કરીને , દૃષ્ટિને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરીને , શ્વાસ તથા ઉચ્છ્વાસને નસકોરાંની અંદર રોકીને અને એ રીતે મન , બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઇચ્છા , ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે . આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિઃસંદેહ મુક્ત હોય છે .(27-28)

भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् । 
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ॥ २९ ॥

મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોક્તા , સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમ જ સમસ્ત જીવોનો હિતકર્તા શુભેચ્છક મિત્ર તરીકે જાણી , મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારનાં દુઃખોમાંથી શાંતિ પામે છે .(29)



આમ , શ્રીમદ્ ભગવદ્ગીતાના “ કર્મયોગ - કૃષ્ણભાવનાયુક્ત કર્મ ” નામના પાંચમા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. 

Comments