કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ | અધ્યાય એક | શ્રીમદ્ ભગવદ્ ગીતા | Shrimad Bhagwat Geeta Chapter One In Gujarati
धृतराष्ट्र उवाच:
धृतराष्ट्र धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ॥ १ ॥
ધૃતરાષ્ટ્ર બોલ્યા : હે સંજય , તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ? (1)
सञ्जय उवाच :
दृष्टा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥
સંજયે કહ્યું: હે રાજા, પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચના પ્રમાણે ગોઠવેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આવું વચન આપ્યું.
पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ ३ ॥
હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ, જેની વ્યૂહરચના તમારા જ્ઞાની શિષ્ય દ્રુપદપુત્રે કુશળતાપૂર્વક વ્યૂહરચના બનાવી છે. (3)
अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि ।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥ ४ ॥
અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે , જેમ કે મહારથી યુયુધાન , વિરાટ તથા દ્રુપદ . (4)
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् । पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः ॥ ५ ॥
તદુપરાંત ધૃષ્ટકેતુ , ચેકિતાન , કાશિરાજ , પુરુજિત્ , કુંતીભોજ તથા શૈબ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે .(5)
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् ।
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ॥ ६ ॥
પરાક્રમી યુધામન્યુ , અત્યંત શક્તિશાળી ઉત્તમૌજા , સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્રો , એ બધા જ મહારથીઓ છે. (6)
अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम ।
नायका मम सैन्यस्य संज्ञार्थ तान्ब्रवीमि ते ॥ ७ ॥
પરંતુ હે બ્રાહ્મણશ્રેષ્ઠ , તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે .(7)
भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिंजयः ।
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च ॥ ८ ॥
મારી સેનામાં સ્વયં આપ , ભીષ્મ , કર્ણ , કૃપાચાર્ય , અશ્વત્થામા , વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશાં વિજયી રહ્યા છે.(8)
अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः ।
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥ ९ ॥
એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે . તેઓ વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધવિદ્યામાં નિષ્ણાત છે .(9)
अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् ।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥ १० ॥
આપણું સૈન્યબળ અમાપ છે અને આપણે સૌ ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ , જ્યારે પાંડવાનું સૈન્યબળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે.(10)
अयनेषु च सर्वेषु यथाभागवमस्थिताः ।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥ ११ ॥
માટે સૈન્યવ્યૂહમાં પોતપોતાનાં મોખરાનાં સ્થાનો પર રહીને , આપ સૌ પિતામહ ભીષ્મની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો.(11)
तस्य सञ्जनयन्हर्षं कुरुवृद्धः पितामहः ।
सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॥ १२ ॥
ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મ , સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો .(12)
ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः ।
सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत् ॥१३॥
ત્યારપછી શંખ , નગારાં , તુરાઈ , તથા રણશિંગાં સહસા એકસાથે વાગવા લાગ્યાં , જેનો સંયુક્ત વાદ્યઘોષ બહુ ઘોંઘાટભર્યો હતો .(13)
ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥ १४ ॥
બીજી બાજુએ અર્થાત્ સામા પક્ષે શ્વેત અશ્વો જોડેલા વિશાળ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા .(14)
पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः ।
पौण्डूं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ॥ १५ ॥
ભગવાન કૃષ્ણએ પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો , અર્જુને દેવદત્ત શંખ તથા અતિમાનુષી કર્મ કરનાર ખાઉધરા ભીમે તેનો પૌષ્ટ્ર નામનો પ્રચંડ શંખ ફૂંક્યો.(15)
अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥ १६ ॥
काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः ।
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥ १७ ॥
द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते ।
सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्मुः पृथक्पृथक् ॥ १८ ॥
હે રાજા , કુંતીપુત્ર યુધિષ્ઠિરે પોતાનો અનંતવિજય નામનો શંખ ફૂંક્યો અને નકુળ તથા સહદેવે સુઘોષ તથા મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા . મહાન ધનુર્ધર કાશીરાજ , મહાન યોદ્ધા શિખંડી , ધૃષ્ટદ્યુમ્ન , વિરાટ , અપરાજિત સાત્યકિ , દ્રુપદ , દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રા - પુત્ર વગેરે સૌએ પોતપોતાના શંખ ફૂંક્યા .(16-18)
स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् ।
नभश्च पृथिवीं चैव तुमुलोऽभ्यनुनादयन् ॥ १ ९ ॥
આકાશ તેમ જ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોનાં હૃદયોને વિદીર્ણ કર્યાં .(19)
अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रान्कपिध्वजः । प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः । हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते ॥ २० ॥
તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો . હે રાજન , ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રીકૃષ્ણને આ વચન કહ્યાં .(20)
सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत ।
यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् ॥ २१ ॥
कैर्मया सह योद्धव्यमस्मिन्रणसमुद्यमे ॥ २२ ॥
અર્જુને કહ્યું : હે અચ્યુત , કૃપા કરી મારા રથને બન્ને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઇચ્છાવાળાઓને અને આ મહાન શસ્રસંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે , તેમને હું જોઈ શકું .(૨૧-૨૨)
योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः ।
धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ॥ २३ ॥
ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઇચ્છાથી , જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે , તેમનું મને નિરીક્ષણ કરવા દો .(૨૩)
एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत ।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ॥ २४ ॥
સંજય બોલ્યાઃ હે ભરતવંશી , અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણએ , બન્ને પક્ષોનાં સૈન્યોનાં મધ્ય ભાગમાં જ તે ઉત્તમ રથને ઊભો રાખ્યો .(૨૪)
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् ।
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरुनिति ॥ २५ ॥
ભીષ્મ , દ્રોણ તથા વિશ્વભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાન કહ્યું , હે પાર્થ , અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો .(25)
तत्रापश्यत्स्थितान्पार्थः पितॄनथ पितामहान् ।
आचार्यान्मातुलान्ध्रातॄन्पुत्रान्पौत्रान्सखींस्तथा ।
श्वरान्सुहृदश्चैव सेनयोरुभयोरपि ॥ २६ ॥
બન્ને પક્ષોની સેનાઓની મધ્યમાં ઊભેલા અર્જુને પોતાના કાકાઓ દાદાઓ , આચાર્યો , મામાઓ , ભાઈઓ , પુત્રો , પૌત્રો , મિત્રો તથા સસરાઓ તેમ જ શુભેચ્છકોને જોયા .(26)
तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान् ।
कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् ॥ २७ ॥
જ્યારે કુંતીપુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીજનોની વિભિન્ન શ્રેણીઓને જોઈ , ત્યારે તે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો .(27)
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ।
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ॥ २८ ॥
અર્જુને કહ્યું : હે પ્રિય કૃષ્ણ , આ રીતે યુદ્ધ કરવાની ઇચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યાં છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે .(૨૮)
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते ।
गाण्डीवं स्स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते ॥ २ ९ ॥
મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે , મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે , મારું ગાંડીવ ધનુષ મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે .(૨૯)
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः ।
निमित्तानि च पश्यामि विपरीतानि केशव ॥ ३० ॥
હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી . હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે . કેશવ , મને તો માત્ર દુર્ભાગ્યનાં જ દર્શન થાય છે . (૩૦)
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे ।
न काङ्ग्रे विजयं कृष्ण न च राज्यं सुखानि च ॥ ३१ ॥
આ યુદ્ધમાં મારા પોતાનાં જ સ્વજનોને હણવાથી , કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી અને હે પ્રિય કૃષ્ણ , હું તેનાથી કોઈ વિજય , રાજ્ય કે સુખની પણ ઇચ્છા રાખતો નથી .(૩૧)
किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ।
येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च ॥ ३२ ॥
त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च ।
आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः ॥ ३३ ॥
मातुलाः श्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा ।
एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन ॥ ३४ ॥
अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते ।
निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन ॥ ३५ ॥
હે ગોવિંદ , અમને રાજ્ય , સુખ અથવા જીવનથી પણ શો લાભ થવાનો છે ? કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઇચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધક્ષેત્રમાં ગોઠવાયેલા છે . હે મધુસૂદન , જ્યારે ગુરુજનો , પિતૃઓ , પુત્રો , પિતામહો , મામા , સસરા , પૌત્રો , સાળા તથા અન્ય બધાં સગાં - સંબંધીઓ તેમનાં પ્રાણ તથા ધન ત્યજવા તત્પર છે અને મારી સામે ઊભા છે ત્યારે , ભલે તેઓ મને હણી નાખે તોયે હું આ સૌનો સંહાર કરવાની શા માટે ઇચ્છા કરું ? હે જીવમાત્રના પાલનહાર , બદલામાં મને આ પૃથ્વી તો શું પણ ત્રણે લોકનું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી . ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે ?(૩૨-૩૫)
पापमेवाश्रयेदस्मान्हत्वैतानाततायिनः ।
तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्सबान्धवान् ।
स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव ॥ ३६ ॥
જો અમે આવા આતતાયીઓને હણીશું તો અમે પાપમાં જ પડીશું . માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું . તો તે ઉચિત થશે નહિ . હે લક્ષ્મીપતિ કૃષ્ણ , આનાથી અમને શો લાભ થવાનો છે અને અમારાં જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું ?(૩૬)
यद्यप्येते न पश्यन्ति लोभोपहतचेतसः ।
कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् ॥ ३७ ॥
कथं न ज्ञेयमस्माभिः पापादस्मन्निवर्तितुम् ।
कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन ॥ ३८ ॥
હે જનાર્દન , લોભને વશ થયેલા મનવાળા આ લોકો જોકે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી , પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવાં પાપકર્મો કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ ?(૩૭-૩૮)
कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः ।
धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत ॥ ३ ९ ॥
કુળનો નાશ થયે સનાતન કુળપરંપરા નષ્ટ થઈ જાય છે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે .(૩૯)
अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः ।
स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः ॥ ४० ॥
હે કૃષ્ણ , જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે , ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી કે વૃષ્ણિવંશી , અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે.(૪૦)
सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च ।
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः ॥ ४१ ॥
અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી , પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બન્ને માટે નિઃસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે . આવાં પતિત કુટુંબોના પૂર્વજો અધઃપતન પામે છે , કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે .(41)
दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः ।
उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः ॥ ४२ ॥
જે લોકો પાપકર્મો વડે કુળપરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે , તેમનાં દુષ્કર્મોથી સર્વ પ્રકારનાં સામુદાયિકો કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે .(42)
उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन ।
नरके नियतं वासो भवतीत्यनुशुश्रुम ॥ ४३ ॥
હે પ્રજાના પાલનહાર કૃષ્ણ , મેં ગુરુ - શિષ્યપરંપરા દ્વારા સાંભળ્યું છે જે લોકો કુળધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે .
अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम् ।
यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः ॥ ४४ ॥
અરે , આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપકર્મ કરવા માટે તત્પર થયા છીએ . રાજ્યસુખ ભોગવવાના લોભવશ થઈને , અમે સ્વજનોને જ હણવા તૈયાર થયા છીએ .(44)
यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः ।
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत् ॥ ४५ ॥
જો શસ્ત્રધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો , નિઃશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે , તો તે મારા માટે શ્રેયસ્કર થશે .(45)
एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् ।
विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः ॥ ४६ ॥
સંજય બોલ્યાઃ રણમેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાનાં ધનુષ તથા બાણ બાજુ પર મૂકી દીધાં અને શોક સંતપ્ત મનથી રથનાં આસન પર બેસી ગયો .(૪૬)
આમ , શ્રીમદ્ ભગવદ્ગીતાના , “ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ" નામના પ્રથમ અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે .

Comments
Post a Comment