દ્વિતીય અધ્યાય | ગીતાનો સાર | શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાં | Shrimad Bhagwat Geeta Chapter Two In Gujarati
श्रीभगवानुवाच :
इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।
विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥ १ ॥
પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો .(1)
एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।
स कालेनेह महता योगे नष्टः परन्तप ॥ २ ॥
અનુવાદ એ રીતે હે અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ - શિષ્યપરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે .(2)
स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।
भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३ ॥
અનુવાદ તે જ આ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે .(3)
अर्जुन उवाच :
अपरं भवतो जन्म परं जन्म विवस्वतः ।
कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ॥ ४ ॥
અર્જુને કહ્યું : આપનો જન્મ , અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવસ્વાનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે ; તો પછી , હું કેવી રીતે સમજું કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો ? (4)
श्रीभगवानुवाच :
बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ॥ ५ ॥
શ્રી ભગવાન બોલ્યા : તારા અને મારા અનેકાનેક જન્મો થઈ ચૂક્યા છે . હું તે બધાને યાદ રાખી શકું છું , પરંતુ હે પરંતપ , તું તેને યાદ રાખી શકતો નથી .(5)
न चैतद्विद्मः कतरन्नो गरीयो
यद्वा जयेम यदि वा नो जयेयुः ।
यानेव हत्वा न जिजीविषाम
स्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ॥ ६ ॥
અમે એ પણ જાણતા નથી કે અમારે માટે સારું શું છે - તેમને જીતવા કે તેઓ દ્વારા જીતાઈ જવું ? જો અમે ધૃતરાષ્ટ્રના પુત્રોનો વધ કરીશું , તો અમને જીવિત રહેવાની ઇચ્છા થશે નહિ . છતાં , તેઓ હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે .(૬)
कार्पण्यदोषोपहतस्वभावः
पृच्छामि त्वां धर्मसम्मूढचेताः ।
यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे
शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥ ७ ॥
હવે હું સંકુચિતતાયુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું . આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય , તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો . હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું . કૃપા કરીને મને ઉપદેશ આપો .(૭)
न हि प्रपश्यामि ममापनुद्याद्
यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम्
अवाप्य भूभावसपत्नमृद्धं
राज्यं सुराणामपि चाधिपत्यम् ॥ ८ ॥
મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી . સ્વર્ગ પર દેવોના સાર્વભૌમ અધિકારની જેમ સર્વથા સમૃદ્ધ પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરીને પણ હું આ શોકને દૂર કરી શકીશ નહીં. (૮)
सञ्जय उवाच :
एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तपः ।
न योत्स्य इति गोविन्दामुक्त्वा तूष्णीं बभूव ह ॥ ९ ॥
સંજય બોલ્યાઃ
આ પ્રમાણે કહ્યા પછી શત્રુઓનું દમન કરનાર અર્જુને કૃષ્ણને કહ્યું , “ હે ગોવિંદ , હું લડીશ નહિ , ” અને મૌન થઈ ગયો .(9)
तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत ।
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः ॥ १० ॥
હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર , તે વખતે બન્ને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યાં .(10)
श्री भगवानुवाच :
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे ।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ॥ ११ ॥
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ તું વિદ્વત્તાભરી વાતો કરે છે , પરંતુ જેનો શોક કરવા જેવો નથી , તેના માટે તું શોક કરી રહ્યો છે . જેઓ વિદ્વાન હોય છે , તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી . (11)
नत्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः ।
न चैव नभविष्यामः सर्वे वयमतः परम् ॥ १२ ॥
એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હોઉં કે તું ન રહ્યો હોય અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય , અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહિ હોઈએ .(12)
देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा |
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति ॥ १३ ॥
જેવી રીતે દેહધારી આત્મા આ ( વર્તમાન ) શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે , તેવી જ રીતે , મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે . ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી .(13)
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः ।
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत ॥ १४ ॥
હે કુંતીપુત્ર , સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદૃશ્ય થવું , શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે . હે ભરતવંશી , તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના , સહન કરતા અવશ્ય શીખવું જોઈએ .(14)
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ ।
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥ १५ ॥
હે પુરુષશ્રેષ્ઠ ( અર્જુન ) ! જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બન્નેમાં એક સમાન રહે છે , તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે .(15)
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥ १६ ॥
સત્યના દૃષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે છે કે અસત્ ( ભૌતિક શરીર ) નું કોઈ સ્થાયિત્વ નથી અને સત્ ( આત્મા ) નું કોઈ પરિવર્તન નથી . આ બન્નેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે .(16)
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् ।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥ १७ ॥
જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જાણ . તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી .(17)
अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः ।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत ॥ १८ ॥
અવિનાશી , અમાપ તથા સનાતન ન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે ; માટે , હે ભરતવંશી , યુદ્ધ કર . (18)
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥ १ ९ ॥
જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે , તે બન્ને અજ્ઞાની છે , કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો .(19)
न जायते म्रियते वा कदाचि
नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो
न हन्यते हन्यमाने शरीरे ॥ २० ॥
આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી . તે ક્યારેય જન્મ્યો ન હતો , જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી . તે અજન્મા , સનાતન , ચિરસ્થાયી તથા પુરાતન છે . જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી . (20)
वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् ।
कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम् ॥ २१ ॥
હે પાર્થ , આત્મા અવિનાશી , સનાતન , અજન્મા અને અવિકારી છે એવું જાણકાર મનુષ્ય , કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે ? (21)
वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा
न्यन्यानि संयाति नवानि देही ॥ २२ ॥
જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો તજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે , તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામાં શરીરો તજીને નવાં ભૌતિક શરીર ધારણ કરે છે . (22)
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥ २३ ॥
આ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી , અગ્નિથી બાળી શકાતો નથી , પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી .(23)
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च ।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥ २४ ॥
આ વ્યક્તિગત આત્મા અખંડ તથા અદ્રાવ્ય છે અને તેને નથી બાળી શકાતો કે નથી સૂકવી શકાતો . તે ચિરસ્થાયી , સર્વત્ર વિદ્યમાન , અવિકારી , સ્થિર તથા સદા એક સમાન રહેનારો છે . (24)
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते ।
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ॥ २५ ॥
એ સુવિદત છે કે આ આત્મા અદૃશ્ય , અચિંત્ય , તથા અપરિવર્તનશીલ છે . આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ .(25)
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् ।
तथापि त्वं महाबाहो नैनं शोचितुमर्हसि ॥ २६ ॥
હે મહાબાહુ , જો તું એમ વિચારતો હોય કે આત્મા ( અથવા જીવનનાં લક્ષણો ) સદા જન્મે છે અને હંમેશને માટે મૃત્યુ પામે છે , તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી .(26)
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥ २७ ॥
જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે . માટે જે નિવારી ન શકાય એવાં તારાં કર્તવ્યકર્મ અંગે તું શોક કરે તે યોગ્ય નથી .(27)
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥ २८ ॥
બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે , મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી , ફરીથી અવ્યક્ત થઈ જાય છે . તો પછી શોક કરવાની શી જરૂર છે ?(28)
आश्चर्यवत्पश्यति कश्चिदेन -
माश्चर्यवद्वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यः शृणोति
श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥ २ ९ ॥
કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે , કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે , જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશમાત્ર સમજી શકતા નથી .(29)
देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत ।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥ ३० ॥
હે ભરતવંશી , શરીરમાં રહેનારો ( આત્મા ) સનાતન છે અને તેનો ક્યારેય વધ શકાતો નથી . માટે , તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી .(30)
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि ।
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥ ३१ ॥
ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્યધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવાની જરૂર નથી .(31)
यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् ।
सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ॥ ३२ ॥
હે પાર્થ , જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકનાં પ્રવેશદ્વારો ઉઘાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે , તેઓ ખરેખર ધન્ય છે .(32)
अथ चेत्त्वमिमं धर्म्य सङ्ग्रामं न करिष्यसि ।
ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ॥ ३३ ॥
માટે , જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહિ કરે , તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે .(33)
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् ।
सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते ॥ ३४ ॥
લોકો હંમેશાં તારા અપયશનું વર્ણન કરતા રહેશે અને સન્માનપાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે . (34)
भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः ।
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥ ३५ ॥
જે જે મહાન યોદ્ધાઓ તારાં નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તેં ભયને કારણે રણક્ષત્રે છોડી દીધું છે અને તેથી તેઓ તને કાયર ગણશે .(35)
अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः ।
निन्दन्तस्तव सामर्थ्य ततो दुःखतरं नु किम् ॥ ३६ ॥
તારા શત્રુઓ અનેક પ્રકારનાં કડવાં વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે . તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે ? (36)
हतो वा प्राप्स्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम् ।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥ ३७ ॥
હે કુંતીપુત્ર , જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ , અથવા જો તું જીતીશ , તો પૃથ્વીના સામ્રાજયનું સુખ ભોગવીશ . તેથી , દ્રઢ નિશ્ચિયપૂર્વક ઊભો થા અને યુદ્ધ કર .(37)
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ।
युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥ ३८ ॥
તું સુખ કે દુઃખ , હાનિ કે લાભ તથા જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર , યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર - અને આ પ્રમાણે કરવાથી તને કદાપિ પાપ લાગશે નહિ .(38)
एषा तेऽभिहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु ।
बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ॥ ३ ९ ॥
મેં અહીં પૃથક્કરણાત્મક અભ્યાસ ( સાંખ્ય ) દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે . હવે નિષ્કામભાવે કર્મ કરવા વિશે સમજાવું છું તે સાંભળ . હે પૃથાપુત્ર , હે જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ , તો કર્મબંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ .(39)
नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते ।
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥ ४० ॥
આ ( બુદ્ધિયોગ ) માં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હ્રાસ પણ નથી , અને આ માર્ગે કરેલી થોડીશી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે .(40)
व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन ।
बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम् ॥ ४१ ॥
હે કુરુનંદન , જે મનુષ્યો આ માર્ગ પર છે તેઓ ઉદેશમાં દૃઢ સંકલ્પવાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે . જેઓ દૃઢ નિશ્ચયી નથી , તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે .(41)
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः ।
वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः ॥ ४२ ॥
कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् ।
क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति ॥ ४३ ॥
અલ્પજ્ઞાની મનુષ્યો વેદોની તે આલંકારિક વાણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે કે જે સ્વર્ગપ્રાપ્તિ , ઉત્તમ જન્મ , સત્તા વગેરે માટે વિવિધ સકામ કર્મો કરવાની ભલામણ કરે છે . વિષયભોગ તથા વૈભવી જીવનના ઇચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે સારું કંઈ જ નથી .(42-43)
भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम् ।
व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥ ४४ ॥
જે મનુષ્ય ઇન્દ્રિયભોગ તથા ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે , તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દૃઢ સંકલ્પ થતો નથી .(44)
त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन ।
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥ ४५ ॥
વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે . હે અર્જુન , આ ત્રણે ગુણોથી પર થા . સર્વ દ્વંદ્વોથી તેમ જ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈ આત્મપરાયણ થા .(45)
यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके ।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥ ४६ ॥
જે જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે . તે જ પ્રમાણે , વેદોમાં રહેલા ઉદેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે .(46)
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥ ४७ ॥
તને તારું નિયત કર્તવ્યકર્મ કરવાનો અધિકાર છે , પરંતુ તને કર્મનાં ફળો પર અધિકાર નથી . તું પોતાની જાતને કદાપિ પોતાનાં કર્મનાં ફળોનું કારણ માનીશ નહિ અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહિ .(47)
योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय ।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ॥ ४८ ॥
હે અર્જુન , યોગમાં સ્થિર રહે . સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈને તારાં કર્તવ્યકર્મો કર . મનની આવી સમતા યોગ કહેવાય છે .(48)
दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनञ्जय ।
बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥ ४ ९ ॥
હે ધનંજય , ભક્તિમય સેવા દ્વારા બધાં જ નિંદ્ય કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનને શરણાગત થાય . જે લોકો ભોગવવાની ઇચ્છા રાખે છે તે કૃપણ છે .(49)
बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ॥ ५० ॥
ભક્તિમય સેવામાં પરોવાયેલો મનુષ્ય , આ જીવનમાં જ સારાં કે નરસાં કાર્યોથી પોતાને મુક્ત કરી શકે છે . માટે યોગ અર્થે પ્રયાસ કર , કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે .(50)
कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः ।
जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् ॥ ५१ ॥
ભક્તિમય સેવામાં પરોવાયેલા મહાન ભક્તો ભગવાનનું શરણ ગ્રહણ કરે છે અને આ ભૌતિક જગતમાં કર્મના ફળનો ત્યાગ કરીને પોતાની જાતને જન્મ - મરણના ચક્રમાંથી મુક્ત કરે છે . આ રીતે તેઓ ( ભગવાનના ધામમાં પાછા જઈને ) સર્વ દુઃખોથી પર એવું એ પદ પામે છે .(51)
यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति ।
तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥ ५२ ॥
જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે , ત્યારે તારે સર્વ સાંભળવાયોગ્ય બાકી તથા તેં સાંભળેલ હશે , તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ .(52)
श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला ।
समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥ ५३ ॥
જ્યારે વેદોની અલંકારપ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહિ અને આત્મ - સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે , ત્યારપછી તને દિવ્ય ચેતનારૂપ યોગ પ્રાપ્ત થશે .(53)
अर्जुन उवाच :
स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।
स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ॥ ५४ ॥
અર્જુને કહ્યું : હે કૃષ્ણ, અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્ય ( સ્થિતપ્રજ્ઞ ) નાં લક્ષણો કયાં છે ? તે કેવી રીતે બોલે છે અને તેની ભાષા કેવી છે ? તે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે ? (54)
श्रीभगवानुवाच :
प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥ ५५ ॥
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યાઃ હે પાર્થ , મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિયતૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન , આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે , ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો , સ્થિતપ્રજ્ઞ કહેવાય છે .(55)
दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थिधीर्मुनिरुच्यते ॥ ५६ ॥
જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ , ભય તથા ક્રોધથી મુક્ત છે , તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે .(56)
यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् ।
नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ५७ ॥
મનુષ્ય આસક્તિથી રહિત છે , જે શુભ પામી હરખાતો નથી તેમ અશુભ પામી શોક કરતો નથી , તે પૂર્ણ જ્ઞાનમાં દૃઢપણે સ્થિર થયેલો છે .(57)
यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ५८ ॥
જેવી રીતે કાચબો તેનાં સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે , તેવી રીતે , જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લેવા શક્તિમાન બને છે , તે પૂર્ણ ચેતનામાં દૃઢતાપૂર્વક સ્થિર હોય છે .(58)
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥ ५९ ॥
દેહધારી જીવને ઇન્દ્રિયભોગ પરત્વે ભલે પ્રતિબંધિત કરવામાં આવે , તો પણ વિષયોને ભોગવવાની ઇચ્છા રહે છે . પરંતુ ( કૃષ્ણભાવનામય ) ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી , વિષયોનો રસ જતો રહે છે અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે .(59)
यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः ।
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥ ६० ॥
હે અર્જુન , ઇન્દ્રિયો એવી તો પ્રબળ અને વેગવાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી લે છે .(60)
तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः ।
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ६१ ॥
જે મનુષ્ય સમગ્ર ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિયનિગ્રહ કરે છે અને તેની ચેતના મારામાં સ્થિર કરે છે , તે સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. (61)
ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते ।
सङ्गात्सञ्जायते कामः कामात्क्रोधोऽभिजायते ॥ ६२ ॥
ઇન્દ્રિયવિષયોનું ચિંતન કરવાથી , મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે તથા કામમાંથી ક્રોધ ઉદ્ભવે છે. (62)
क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः ।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥ ६३ ॥
ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણશક્તિનો વિભ્રમ થાય છે . જ્યારે સ્મરણશક્તિ ભ્રમિત થઈ જાય છે , ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર - કૂપમાં પુનઃ પતન પામે છે. (63)
रागद्वेषविमुक्तैस्तु विषयनिन्द्रियैश्चरन् ।
आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥ ६४ ॥
પરંતુ સમસ્ત રાગ તથા દ્વેષથી મુક્ત અને મુક્તિનાં નીતિનિયમોના આચરણ દ્વારા , પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવામાં સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી શકે છે. (64)
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।
प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥ ६५ ॥
આ પ્રમાણે કૃષ્ણભાવનામૃતમાં સંતુષ્ટ થયેલા મનુષ્ય માટે ભૌતિક અસ્તિત્વના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે ; આવી સંતુષ્ટ અવસ્થામાં તેની બુદ્ધિ તરત જ સારી રીતે સ્થિર થઈ જાય છે. (65)
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना ।
न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ॥ ६६ ॥
કૃષ્ણભાવનાપરાયણ થઈને જે મનુષ્ય પરમેશ્વરના સંબંધમાં રહેતો નથી , તેની બુદ્ધિ દિવ્ય થતી નથી અને ચિત્ત પણ સંયમિત થતું નથી , જેના વિના શાંતિની કોઈ શક્યતા રહેતી નથી , અને શાંતિ વિના સુખ પણ કેવી રીતે સંભવે ?(66)
इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते ।
तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ॥ ६७ ॥
જેવી રીતે પાણીમાંની નૌકા પ્રબળ પવન દ્વારા દૂર ખેંચાઈ જાય છે , તેવી રીતે વિચરણશીલ ઇન્દ્રિયોમાંથી કોઈ એક પર પણ જો મન કેન્દ્રિત થાય , તો તે મનુષ્યની બુદ્ધિને હરી લે છે. (67)
तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ६८ ॥
તેથી હે મહાબાહુ , જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયોમાંથી સંયમિત થયેલી હોય છે , તેની બુદ્ધિ નિઃસંદેહ સ્થિર હોય છે. (68)
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥ ६९ ॥
સર્વ જીવો માટે જે રાત્રિ છે , તે આત્મસંયમી મનુષ્યો માટે જાગતા રહેવાનો સમય છે અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે , તે આત્મનિરીક્ષણ કરનારા મુનિ માટે રાત્રિ છે. (69)
आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् ।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी ॥ ७० ॥
જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે છતાં સમુદ્ર હંમેશાં સ્થિર રહે તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહિ થનાર મનુષ્ય જ શાંતિ પ્રાપ્ત કરી શકે છે , પરંતુ આવી ઇચ્છાઓને સંતુષ્ટ કરવા મથતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી .(70)
विहाय कामान्यः सर्वान्पुमांश्चरति निःस्पृहः ।
निर्ममो निरहङ्कार स शान्तिमधिगच्छति ॥ ७१ ॥
જે મનુષ્ય ઇન્દ્રિયતૃપ્તિની સમસ્ત ઇચ્છાઓનો ત્યાગ કર્યો છે , જે નિઃસ્પૃહ રહે છે અને જેણે સ્વામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે , તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. (71)
एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति ।
स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ॥ ७२ ॥
આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે , જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી . જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે .(72)
આમ , શ્રીમદ્ ભગવદ્ગીતાના , “ ગીતાનો સાર ” નામના દ્વિતીય અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે.

Comments
Post a Comment